Gujarati Geetmala


માનવ ન થઇ શક્યો - આદિલ મન્સૂરી


ગઝલ પઠન : આદિલ મન્સૂરી

સ્વર - સંગીત : મનહર ઉધાસ

માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં - હરીન્દ્ર દવે

આલ્બમ : તારી આંખનો અફીણી (સોલી કાપડિયા)

સ્વર : સોનાલી વાજપાઇ

paan lilu

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

 

હુ તુ તુ તુ… જામી રમતની ઋતુ.. - અવિનાશ વ્યાસ


હુ તુ તુ તુ તુ તુ તુ તુ
જામી રમતની ઋતુ
આપો આપો એક મેક ના થઇ ને ભેરુ સારુ
જગત રમતું આવ્યું ને રમે છે હુ તુ તુ તુ તુ

તેજ ને તિમિર રમે… હુ તુ તુ તુ હુ તુ તુ તુ
પાણી ને સમીર રમે.. હુ તુ તુ તુ હુ તુ તુ તુ
વાદળની ઓથે બેઠા સંતાયેલા પ્રભુજીને
પામવાને સંતને ફકીર રમે હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

એક મેકને મથે પકડવા સારા નરસા સ્વારથ સાથે
ધમ્માચકડી પકડા પકડી અવળે સવળે આટે પાટે
ખમીર થી ખમીરનો ખેલ રે મંડાયો ભાઇ
હોય જગ જાગતું કે હોય સુતું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…
ભેરું તો દેખાવ કરીને ખેલ ખેલતા ઉંચે શ્વાસે
પર ને કેમ પરાજીત કરવો અંતર પ્રગટી એક જ આશે
વિધ વિધ નામ ઘરી સંસારની કેડી માથે
ખાકનાં ખિલોના રમે સાચું અને જુઠું…….. હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

મનડાની પાછળ મન દોડે તનડું તન ને ઢુંઢે
ધનની પાછલ ધન દોડતું પ્રપંચ ખેલી ઉંડે
જાત જાત ભાત ભાત ના વિચાર દાવ પેચ
કયારે મળે લાગ અને ક્યારે લુટું ?……… હુ તુ તુ તુ તુ તુ તુ તુ…

 

રાખનાં રમકડાં - અવિનાશ વ્યાસ

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે
મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યાં રે
રાખનાં રમકડાં, રમકડાં …

બોલે ડોલે રોજ રમકડાં, નિત નિત રમત્યું માંડે
આ મારું આ તારું કહીને એકબીજાને ભાંડે રે,
રાખનાં રમકડાં, રમકડાં …

એઇ કાચી માટીને કાયામાંથી માયા કેરા રંગ લગાયા
એજી ઢીંગલા ઢીંગલીએ ઘર માંડ્યાં ત્યાં તો વિંઝણલા વિંઝાયા રે
રાખનાં રમકડાં, રમકડાં …

તંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી,
તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ,
રાખનાં રમકડાં, રમકડાં …

———————————


 

Make a Free Website with Yola.